Sunday, March 18, 2012

નિયમિત ચાલો અને ઘણું જીવો


પરમેશ્વરે મનુષ્ય જગતને ‘‘પગ’’ અને ‘‘હાથ’’ ચલાવવા અને દબાવવા આપી કમાલ કરી નાખી છે. જૂની કહેવત ‘‘ફરે તે ચરે અને બાંઘ્યો ભૂખે મરે-’’ આને અનુસરીને પણ દરેક વ્યક્તિ પુરૂષ હોય કે સ્ત્રી, ઉંમર નાની હોય કે મોટી ચાલવાની ક્રિયા વઘુ નહી તો ફક્ત ૪૦ મિનિટ કરવી જોઈએ. પહેલાના જમાનામાં રોજીંદા જીવનમાં ચાલવાનું હતું, કારણ આટલા વાહનો નહોતા. ઉઠવાનું-બેસવાનું પણ રોજની ક્રિયામાં આવતું હતું કારણ તે વખતે ઊભા રસોડા કે બાથરૂમમાં કોમોડ નહોતા. સોફાસેટ કે ડાઇનીંગ ટેબલને ખુરશી નહોતા. ઘરના પહેલે કે બીજે માળ જવું હોય તો દાદરો ચઢીને જવાતું હતું. લીફટ નહોતી. વસ્તી ઓછી-પ્રદૂષણ ઓછું. સ્પર્ધા ઓછી એટલે માનવીનું જીવન શાંતિ અને સુખમય હતું. મનમાં આનંદ અને ઉલ્લાસ હતો. ઈષ્ટદેવની પૂજા પ્રાર્થનામાં શ્રદ્ધા હતી અને જીવન પણ લાંબું હતું. તે વખતે રોજીંદા જીવનમાં ચાલવાનું હતું. અત્યારે તંદુરસ્ત રોગ રહિત રહેવા ચાલવું જોઈએ.

કેટલું ચાલવું જોઈએ ?

ધીરે ધીરે શરૂઆત કરી ૩૦ મિનિટ સતત ચાલવાની ક્રિયા જરૂરી છે. ચાલવાનું પૂરું થયા પછી હૃદયના ધબકારા ૧ મિનિટના ૧૨૦થી ૧૫૦ સુધી રાખવા જોઈએ. ૧૨૦થી ઓછા હોય તો ઇન્ટેન્સીટી (વેગ) વધારવી જોઈએ અને ૧૫૦થી ધબકારા વધારે હોય તો ઇન્ટેસીટી (વેગ) ઘટાડવી જોઈએ. ચાલવાનું શરૂ કરતા પહેલાં પાંચ મિનિટ વોર્મઅપ એટલે કે શરીર આગળ પાછળ વાળવું. એક જગાએ ઊભા રહી દોડવું (ડ્રીલ) કરવું જોઈએ. ચાલીને આવ્યા પછી પાંચ મિનિટ સ્ટ્રેચીંગ એટલે કે થોડાં આસનો કરવાં જરૂરી છે. ચાલવાની શરૂઆત વખતે અને અંતર પણ ધીમે ધીમે વધારવું જોઈએ. ૩૦ મિનિટમાં અઢીથી ત્રણ કિલોમીટરનું અંતર કાપવાનું એટલે કે ૧૦ થી ૧૨ મિનિટમાં એક કિલોમીટર ઝડપ હોવી જોઈએ.

ચાલવાના કેટલા બધા ફાયદા છે !

૧. વજન ઓછું થશે
૪૦ મિનિટ ચાલવાથી ૩૦૦ કેલરીનું દહન થશે. એક મહિનાનું ૯૦૦૦ કેલરી જેટલું દહન થવાથી એક કિલોગ્રામ જેટલું વજન ઓછું થશે. ખાસ યાદ રાખો આ દરમ્યાન રોજની કેલરી ઇનટેક (ખોરાક) ૧૮૦૦ થી ૨૦૦૦ રાખવો જોઈએ.

૨. બી.પી. અને હાર્ટએટેકનો ડર જતો રહેશે
નિયમિત ચાલવાની ક્રિયાથી હૃદય ધીરે ધીરે ઓછી મહેનતે વધારે કામ કરતું એટલે કે થોડાંક જ વેગવંતા ધબકારાથી આખા શરીરના બધા જ અંગોને જરૂરી પૂરેપૂરું લોહી પહોંચાડશે. લોહી ઝડપથી ફરવાથી લોહીની નળીઓમાં કલોટ નહીં થાય એટલે બી.પી. કે હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી થઈ જશે.

૩. શરીરની શક્તિ (સ્ટેમીના) વધશે
નિયમિત ચાલવાથી પગના પીંડો અને સાથળના મોટા સ્નાયુ કદમાં વધશે હાથના બાવડાના અને પંજાના સ્નાયુ મજબૂત થશે. ચાલવાની ક્રિયા નિયમિત કરવાથી શક્તિ (સ્ટેમીના) વધશે. ચાલવામાં જોમ આવશે.

. ડાયાબીટીસ (ટાઇપ-૨ મોટી ઉંમરે થતો) કાબૂમાં આવશે.
તમે ચાલવા જાઓ એટલે શરીરના (પગના હાથના) સ્નાયુને શક્તિ જોઈએ ડાયાબીટીસના દર્દીને ખોરાકમાં લીધેલા વપરાયા વગરના કાર્બોહાઇડ્રેટ ઇન્સ્યુલનની કમીને કારણે લીવરમાં ડીપોઝીટ ના થાય અને પેશાબમાં નીકળી જાય તે કાર્બોહાઈડ્રેટ સ્નાયુને શક્તિ આપવામાં વપરાઈ જાય એટલે ડાયાબીટીસ ધીરે ધીરે બે થી ત્રણ માસમાં કાબૂમાં આવી જાય.

૫. કેન્સર થતું અટકાવે છે અને થયું હોય તો મટાડવામાં મદદ કરે છે
શિકાગો યુનિવર્સિટીમાં થએલા એક પ્રયોગ અનુસાર કેન્સર થએલા દર્દીઓ (૨૧૨ સ્ત્રી પુરૂષો ૪૦ થી ૬૦ વર્ષ)ને નિયમિત ચાલવાના પ્રયોગથી (બીજી સારવાર સાથે) ૭૬ ટકા જેટલો ફાયદો થયો હતો. બીજા એક પ્રયોગમાં ૬૧૦ વોલંટીયરોને ૭ વર્ષ સુધી ચાલવાની ક્રિયા કરવાથી કેન્સર સામે રક્ષણ મળ્યું. ચાલવાથી તમારા ફેફસા વધારે કાર્યરત બને, શરીરમાં ઓક્સિજન વધારે જાય જે શ્રીષ્ણ એન્ટીઓકસીડંટ છે એટલે કેન્સર ના થાય.

૬. હાડકાં મજબૂત બને છે
તડકામાં ચાલવાથી શરીરમાં વિટામિન-ડી બને છે, જે કેલ્શ્યમને ડીપોઝીટ કરે છે. ચાલવાથી સાંધા અને સ્નાયુ ખેંચાવાથી શરીરમાં લીધેલું કેલ્શ્યમ હાડકા ઉપર જામે છે અને આ બન્ને કારણથી હાડકા મજબૂત બને છે.

૭. દોડવા કરતાં ચાલવું સારું
દોડવામાં પગની ધુંટી અને ધુંટણના સાંધાની વચ્ચે રહેલા કાર્ટીલેજ ઉપર ઘસારો પહોંચે છે અને લાંબે ગાળે બન્ને સાંધા ખરાબ થઈ જાય છે. સારા બુટ પહેરી ચાલવાથી આ ભય રહેતો નથી.

૮. ખાસ ખર્ચ નથી
સારા ચાલવાના બુટની જરૂર છે. પછી તમે ઘરમાં ચાલો, બહાર ચાલો, ગાર્ડનમાં ચાલો, ટ્રેડમીલ કે વોકર પર ચાલો, લાંબી પરસાળમાં ચાલો કે અગાસીમાં પણ નિયમિત ચાલો. ફાયદા જ છે.

૯. કોઈ પણ રીતે ચાલવું જરૂરી છે
નાના મોટા-સ્ત્રી પુરુષ સૌને ફાયદો જ થવાનો છે.
૨૦ મિનિટથી શરૂ કરો. કંટાળો નહીં. જરૂર લાગે તો આઇપોડ રાખીને ગીતો સાંભળતાં સાંભળતાં ચાલો.

૧૦ ખૂબ માનસિક શાંતિ મળશે
ગાર્ડનમાં ચાલવાથી ખુલ્લી દવાનો લાભ મળે. ફુવારા જોવા મળે. સુંદર ફુલો દેખાય, પક્ષીઓના કલશોર સંભળાય. અનેક લોકો મળે. મનને શાંતિ મળે. શરીરના બધા જ અંગોને ખાસ કરીને મગજને પૂરતું લોહી મળવાથી તમારી યાદ શક્તિ વધે છે સ્ટ્રેસ ઓછો થાય છે.

૧૧. કોલેસ્ટ્રોલ ઘટે છે
નિયમિત ચાલવાના કાર્યક્રમથી તમારા લોહીમાં કુલ કોલેસ્ટ્રોલ ઘટે છે. એચ.ડી.એલ. વધે છે. ટ્રાઈગ્લીસરાઈડઝ અને એલ.ડી.એલ. ઘટે છે. હાર્ટએટેકનો ડર રહેતો નથી.

૧૨. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે
ચાલવાના કાર્યક્રમથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેથી ચેપી રોગોથી તમારો બચાવ થાય છે.
Source : Internet મુકુન્દ મહેતા  (ગુજરાત સમાચાર)

No comments:

Post a Comment