કબજિયાત
કબજિયાતને દૂર કરવાના કેટલાંક આધારભૂત નિયમો વાચકોને ઉપયોગી થશે એમ સમજીને તેનું અહીં નિરૂપણ કરું છું.
* રોજ રાત્રે દોઢ-બે ગ્લાસ પાણી જમ્યા પછી પીવું તથા રાત્રે એક ગ્લાસ નવશેકું દૂધ સૂતી વખતે પીવું.
* સવારે નરણા કોઠે બ્રશ કે દાતણ કર્યા પછી એકથી દોઢ ગ્લાસ તાજું પાણી પીવું.
* સવારે અને સાંજે એકાદ કીલોમીટર પગપાળા ફરવું.
* આહારમાંથી તીખી, તળેલી અને રુક્ષ ચીજો બંધ કરવી. ચણાની ચીજો, વધારેપડતું મરચું, અથાણાં, પાપડ તથા મેંદા જેવી ગરિષ્ટ ચીજોનો ઉપયોગ કરવો નહીં.
* આહારમાં લીલા શાકભાજી, કાચું કચુંબર - ગ્રીન સલાડ, ઋતુ પ્રમાણેનાં ફળો અને દૂધનો વધારે ઉપયોગ કરો.
* આહાર લીધા પછી બે કલાકે તાજી છાશ, ફળોનો રસ કે શરબત પીવું.
* આહાર સાથે દહીંના ઉપયોગથી કબજિયાતની જૂની કડીઓ તૂટી જાય છે.
* ભૂખ પ્રમાણે નિયમિત આહાર લેવો અને ટેન્શનથી બચવું.
* ખાલી પેટે હળવો વ્યાયામ કરવો.
આપણને થતા પેટના દુખાવામાં મોટા ભાગે તેનું મૂળ કારણ કબજિયાતની તકલીફ હોય છે. અમારે ત્યાં આવતા દર્દીઓમાં મુખ્યરૂપે કબજિયાતથી થતો પેટનો દુખાવો વિશેષ જોવા મળે છે.
હવે તો એવુ પણ કહેવાય છે કે હાર્ટ એટેક ઉત્પન્ન કરતાં જે કારણો છે તેમાં કબજિયાત અને તેનાથી ઉત્પન્ન થતા ઉર્ધ્વ વાયુની પણ ગણતરી થાય છે. જ્યારે આયુર્વેદના હજારો વર્ષ પૂર્વે લખાયેલા પ્રાચીન ગ્રંથોમાં તો સ્પષ્ટ જ કહેવાયું છે કે અવરુદ્ધ થયેલો ‘અપાન’ વાયુ ઉર્ધ્વ ગતિ કરીને હૃદયને ભીંસે છે. આ ઉપરથી કહી શકાય કે હૃદયરોગ ઉત્પન્ન કરતાં જે અનેક મૂળભૂત કારણો છે તેમાં ‘કબજિયાત’નો પણ સમાવેશ થાય છે. આવી કબજિયાત માટે આપણે કઈ રીતે બેદરકાર રહી શકીએ?
કબજિયાતના દર્દીઓમાં કબજિયાતને ઉત્પન્ન કરતાં મૂળભૂત કારણો પણ ભિન્ન ભિન્ન હોય છે અને કબજિયાતને અનેક રોગોનું મૂળ કહેવાયું છે. એ વિશે બે મત નથી. એટલા માટે કબજિયાતની સાધારણ તકલીફ હોય તેમણે બેધ્યાન ન બનવું જોઈએ.
કબજિયાતમાં મળ પ્રવૃત્તિ સમ્યગ્ રીતે થતી નથી. મળ શુષ્ક અવસ્થામાં અનિયમિત અને અલ્પ માત્રામાં પ્રવૃત્ત થાય છે. આ કબજિયાતનું સૌથી મોટું કારણ આહારની અનિયમિતતા અને પરિશ્રમ વગરનું બેઠાડું જીવન ગણાવાય છે. આ કારણોને લીધે આંતરડાંની સ્થિતિ સ્થાપકતામાં શિથિલતા ઉત્પન્ન થવાથી તેમાં વાયુનો પ્રકોપ થાય છે. પ્રકૃપિત થયેલો આ અપાનવાયુ આંતરડાંમાં રહેલા મળના દ્વાંશને સૂકવી નાંખે છે. જેથી મળ શુષ્ક બનતા કબજિયાત ઉત્પન્ન થાય છે. એટલા માટે કબજિયાતના આયુર્વેદીય ઉપચારમાં ‘વાયુ’ને ધ્યાનમાં રાખવામાં આવે છે.
આંતરડાંની શિથિલતા ઉત્પન્ન કરવામાં દૈનિક આહારવિહારની અનિયમિતતા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે જ આહારવિહારની અનિયમિતતા જ કબજિયાતનું સૌથી મુખ્ય કારણ છે. જે આજકાલના દર્દીઓમાં જોવા મળે છે. ત્રણે પાળીમાં સર્વિસ કરતા, બહાર ગામ દોડાદોડી કરતા મેડિકલ રિપ્રેઝન્ટેટિવો, દલાલો, કમિશન, એજન્ટો, કોન્ટ્રાક્ટરો વગેરેમાં કબજિયાત વિશેષ જોવા મળે છે.
કેટલીક વખત શોક, ચિંતા, ભય, ઉદ્વેગ, ઈર્ષા, જેવાં માનસિક કારણોથી પણ કબજિયાત ઉત્પન્ન થાય છે. ઉપવાસ, ઉજાગરા, એકટાણાં સતત કરવામાં આવે તોપણ કબજિયાત ઉત્પન્ન થાય છે. કબજિયાતના દર્દીઓમાં જ્યારે આવાં કારણો જોવા મળે ત્યારે તેના તરફ પણ લક્ષ આપીને ઉચિત ઉપચાર કરવો જોઈએ.
સામાન્ય રીતે મળ હલકા પીળા રંગનો અને નરમ પણ બંધાયેલો હોવો જોઈએ. મળ પ્રવૃત્તિ ખુલાસાથી થયા બાદ પેટ હલકું જણાય અને ભૂખ યોગ્ય રીતે કકડીને લાગતી હોય તો તે કબજિયાત ન ગણાય, પરંતુ ઉપર જણાવેલાં કારણો જેવાં કે શુષ્ક અને ગાંઠોવાળો મળ, અપાન વાયુની પ્રવૃત્તિ એટલે કે વાછૂટ ન થવી, અનિયમિત ભૂખ અને વિલંબિત મળપ્રવૃત્તિ એ કબજિયાતનાં લક્ષણો છે.
કબજિયાતના આટલા ટૂંકા નિરૂપણ પછી તેના ઉપચાર વિશે જણાવું છું. ત્રિફળા, હિમજ, સ્વાદિષ્ટ વિરેચન કે દીનદયાળ ચૂર્ણ જેવા રેચ લગાડનાર કે આધુનિક લેક્ઝેટિવ કે પરગેટિવ ઔષધો કાયમ નિયમિત રીતે લીધાં કરવાં એ કબજિયાત મટાડનાર મૂળગામી ઉપચાર નથી. આવાં ઔષધો એકાદ બે વખત મળપ્રવૃત્તિ સાફ લાવી દે છે, પરંતુ ધીમે ધીમે તેના કાયમી ગુલામ બનાવી દે છે અને આવા ઉપચારથી કબજિયાત મટતી નથી પરંતુ ધીમે ધીમે તે કાયમી બની જાય છે.
Source: Internet
No comments:
Post a Comment